ગરબા અને દાંડિયા વચ્ચેનો ભેદ સમજ્યા વગર ટીકા કરતા લોકો...
ગરબા અને દાંડિયા વચ્ચેનો ભેદ સમજ્યા વગર ટીકા કરતા લોકો ને અર્પણ...
હાલ જ્યારે નવરાત્રીનો માહૌલ જામ્યો છે ત્યારે દિવસે ને દિવસે અનેક ટીકાકારો અનેક પ્રકારની ટીકાઓ કરી અને પોતાને લાઇમ લાઇટમાં લાવવાની કોશિશમાં લાગી પડયા છે. તે પછી નેતા હોય કે અભિનેતા, આમ નાગરિક હોય કે પછી સાધુ સંતો..! 🤔🤔
કોઈ પણ વાતની ટીકા કે વિષય પર ટિપ્પણી કરતા પહેલા વાત અને વિષય ને પુરે પુરો સમજવો જરૂરી હોય છે, નહિ તો કારણ વગરના લોકરોષ નો ભોગ બનવું પડે છે...
નવરાત્રી માં મોડે સુધી રમવાની ગૃહ રાજ્ય મંત્રીએ મોટા પાયે જાહેરાત કરી દીધી અને વાહ વાહ મેળવી લીધી... બીજા દિવસે ફરી તેને વાહવાહી મેળવવા મોડે સુધી ગુજરાતમાં નહિ રમીએ તો શું પાકિસ્તાનમાં રમવા જઈશું કહી ને રાજનૈતિક ટ્રોલ નો ભોગ બનવું પડ્યું. કેમ કે નવરાત્રીનો તહેવાર તો ભારતીય છે, તો પછી ખોટી વાહવાહી મેળવવા માટે પાકિસ્તાનને વચ્ચે લાવી ને રાજકારણ કરવાની જરૂર શા માટે પડી ??? આમ પણ ભાજપના નેતાઓને ચૂંટણી હોય કે, તહેવાર, પાકિસ્તાન નું નામ ના લે અને હિન્દુ મુસ્લિમ ના કરે ત્યાં સુધી ઊંઘ નથી આવતી....
બીજું કે નવરાત્રિના તહેવાર શરૂ થયા ત્યારથી ક્યાંક ને ક્યાંક વિવાદ ઊભો કરવાની કોઈ ને કોઈ કોશિશ કરી રહ્યું છે. તેમાં સંતો પણ ઓછા ઉતરે તેવા નથી. એક સંતે કહ્યું કે નવરાત્રિમાં બહેન દીકરીઓ ટૂંકા અને પારદર્શી વસ્ત્રો પહેરીને ગરબા રમવા જાય છે તે સંસ્કૃતિનું અપમાન છે...! અરે મહારાજ પહેલા તો તમે જે ટિપ્પણી કરી તે સનાતન નું અપમાન છે, કારણ કે જે લોકો ભગવા ધારણ કરી ને સાચા સાધુ બન્યા હોય તે બહેન દીકરીઓ પર નજર ના નાખે અને તમે તો સાવ નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી બેઠા છો...
ગુજરાતના ન્યુઝ ચેનલો વાળા પણ ઉછળી ઉછળી ને આવા નિવેદનો પર સાથ પુરાવી TRP વધારવા માટે મેદાનમાં ઉતરી પડ્યા છે અને ગરબા સંચાલકોએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેવી વણમાગી સલાહો આપવા માંડ્યા છે....
હવે જોઈએ કે ગરબા અને દાંડિયા વચ્ચે શું ફર્ક હોય છે...
ગરબા એટલે મંડપની વચ્ચે માં અંબા નો ફોટો મૂકી આરતી કરી માં અંબા ની ફરતે માત્ર ને માત્ર ૧૬ વર્ષ થી નીચે ની ઉંમરની બાળાઓ માં ની આરાધના કરી ગરબા ગાઈ ને રમતી હોય, ઢોલ , મંજીરા, અને પૌરાણિક વાદકો અને માં ની આરાધના સાથે પારંપરિક પોશાક પહેર્યો હોય તેને સાચા અર્થમાં ગરબા કહેવાય.
આધુનિક યુગમાં સમય પ્રમાણે બદલાવ આવ્યો છે ત્યારે આજે નવા યુગમાં નવરાત્રિમાં ગરબા ને દાંડિયા નું નવું નામ આપવામાં આવ્યું છે. આ દાંડિયાના આયોજનમાં આયોજકો દ્વારા લાખો, કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, અને એ ખર્ચ ને પહોચી વળવા ખેલૈયાઓ પાસે મોંઘીદાટ ફી પાસ પેટે વસૂલવામાં આવે છે. કંપનીઓની જાહેરાતો કરી સ્પોનસર્સ મેળવવામાં આવે છે. આ દાંડિયા માં કોઈ ડ્રેસ કોડ હોતો નથી, જે લોકોને જેવા કપડાં પહેરવા હોય તે પહેરી ને દાંડિયા રમી શકે છે. ખેલૈયાઓ ને તેના પરફોર્મન્સ મુજબ આયોજકો તરફથી મોંઘી ગિફ્ટ પણ આપવામાં આવતી હોય છે.
એટલે ગરબા અને દાંડિયા ને અલગ અલગ રીતે જોવાની જરૂર છે. આજના આધુનિક યુગમાં તમે કોઈને પોતાની મરજી મુજબ મનોરંજન કરતા કેમ રોકી શકો ??? એ પણ ધર્મ ના નામે...
સંવિધાનમાં બધા ને પોતાની રીતે જીવવાનો હક આપેલ છે. તમે સંસાર છોડી સાધુ બન્યા બાદ પણ સમાજમાં ખોટી રીતે ટિપ્પણી કરી શકો અને વાહવાહી મેળવી શકો પણ લોકો ને કઈ રીતે જીવવું તેના માટે ફરજ ના પાડી શકો....
ગુજરાતમાં જ્યારે પબ કે ડિસ્કો થેક ના હોય ત્યારે આજની યુવા પેઢી દાંડિયાના આયોજનમાં જઇ પોતાનો નાચવાનો શોખ પૂરો કરતા હોય ત્યારે, અદેખાઓ ની આંખમાં ઝેર પડતું હોય છે. અરે ભાઈ ગરબા માં માં ની આરાધના થતી હોય અને દાંડિયા માં ફક્ત મનોરંજન હોય ત્યારે બોલીવુડ કે હોલીવુડના ગીતો વાગે અને તેના તાલે યુવાધન મનોરંજન મેળવે તેમાં તમારા.... શું જાય ???
કે પછી ગુજરાતી તહેવાર હોય એટલે વિરોધ કરવાનો જ ???
31 ની ઉજવણી પણ ગુજરાતમાં થતી હોય છે, ત્યારે પણ ઘણા લોકો વિવાદમાં ઊતરતા હોય છે અને ઉજવણી નો વિરોધ કરતા હોય છે. અરે ભાઈ બધા લોકો પોતાની સંસ્કૃતિ ને કંઈ રીતે જાળવવી તેની સારી રીતે સમઝ ધરાવતા હોય છે, તમે માત્ર હાઈ લાઈટ
થવા માટે વિરોધ ના કરો.
કલ્પેશ રાવલ |
टिप्पणियाँ
एक टिप्पणी भेजें