મેમો ફાડવામાં વ્યસ્ત તંત્ર ધૃતરાષ્ટ્ર કેમ છે ?
**જામનગરમાં ટ્રાફિકની સમસ્યા વકરી: સીસીટીવીથી મેમો ફાડવામાં વ્યસ્ત તંત્રને બંધ ટ્રાફિક સિગ્નલો દેખાતા નથી?**
**જામનગર:**
છોટી કાશી તરીકે ઓળખાતા જામનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા કોઈ નવી નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ પ્રશ્ન અત્યંત જટિલ બની ગયો છે. શહેરીજનો રોજબરોજ કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહે છે. આ પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક તંત્ર અને ટ્રાફિક પોલીસની કામગીરી સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આક્રોશ એ વાતનો છે કે, વાહનચાલકોને દંડવા માટે સીસીટીવી કેમેરા તો ચારેય તરફ સક્રિય છે, પરંતુ ટ્રાફિકનું નિયમન કરતા મુખ્ય સિગ્નલો લાંબા સમયથી બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે.
**દંડ વસૂલવામાં સ્ફૂર્તિ, વ્યવસ્થા જાળવવામાં સુસ્તી**
શહેરના રાજમાર્ગો અને મુખ્ય ચાર રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ દ્વારા ઈ-મેમો ફાડવા માટે અત્યાધુનિક સીસીટીવી કેમેરા નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે. હેલ્મેટ ન પહેર્યું હોય કે ત્રિપલ સવારી હોય, તો તુરંત જ ઘરે મેમો પહોંચી જાય છે. તંત્રની આ ડીજીટલ સ્ફૂર્તિ આવકારદાયક છે, પરંતુ સિક્કાની બીજી બાજુ એ છે કે શહેરના મોટાભાગના ટ્રાફિક સિગ્નલો કાયમી ધોરણે બંધ પડ્યા છે. જામનગરના વ્યસ્ત એવા લાલપુર બાયપાસ, ગુરુદ્વારા ચાર રસ્તા, સમર્પણ સર્કલ કે અન્ય મુખ્ય જંક્શનો પર સિગ્નલો બંધ હોવાના કારણે વાહનો સામસામે આવી જાય છે અને અકસ્માતનો ભય સતત તોળાતો રહે છે.
જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા પણ ટ્રાફિક માટે એટલી જ જવાબદાર
જેવી રીતે શહેરના અનેક વિસ્તારોમાં ફરતી રેકડીઓ અથવા તો ફૂટપાથ પર દુકાન વાળાઓ દ્વારા કરવામાં આવેલ દબાણ ને કારણે પણ લોકો ટ્રાફિક માં ફસાઈ જાય છે ઉપરાંત કોમર્શિયલ કૉમ્પ્લેક્સ ની બહાર ગાડીઓ ના થપ્પા લગાવી દેવામાં આવે છે તેને કારણે પણ ટ્રાફિક સર્જાય છે અને લોકો ને હાલાકી ભોગવવી પડે છે..
અવાર નવાર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ડ્રાઇવ ચલાવી કામ દેખાડવામાં આવે છે અને દંડ પણ કરવામાં આવે છે. પરંતુ કોમર્શિયલ કૉમ્પ્લેક્સ બહાર થતો ગાડીઓનો કાફલો ક્યારેય સાફ થતો નથી. ઘણા કોમ્પલેક્સ એવા પણ છે, જેમાં પાર્કિંગ હોવા છતાં ગાડીઓ બહાર ખડકી દેવામાં આવે છે. તો મહાનગર પાલિકા ની એસ્ટેટ શાખા આના પર કાયદેસરના પગલા ન ભરી શકે ??? શું માત્ર દંડ ઉઘરાવવાથી ટ્રાફિક ની સમસ્યા હલ થઈ જશે ???
**ખોરવાયેલી ટ્રાફિક વ્યવસ્થાથી જનતા પરેશાન**
સિગ્નલો બંધ હોવાને કારણે પીક અવર્સ દરમિયાન (સવારે ઓફિસ-સ્કૂલના સમયે અને સાંજે) ટ્રાફિકની સ્થિતિ બેકાબૂ બની જાય છે. એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વાહનો પણ આ જામમાં ફસાઈ જાય છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે,
> "તંત્રને માત્ર જનતાના ખિસ્સામાંથી દંડના નામે પૈસા સરકાવવામાં જ રસ છે. જો કેમેરા ચાલુ રહી શકતા હોય, તો ટ્રાફિક સિગ્નલ કેમ ચાલુ નથી થઈ શકતા? શું બંધ સિગ્નલો તંત્રની નજરે નથી ચડતા?"
>
**તંત્ર વહેલી તકે જાગે તેવી માંગ**
સ્માર્ટ સિટી તરફ ડગ માંડી રહેલા જામનગરમાં આ પ્રકારની આંધળી નીતિ સામાન્ય નાગરિકો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહી છે. ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકા વચ્ચેના સંકલનના અભાવે જનતા પીસાઈ રહી છે. જો સીસીટીવી કેમેરા ચોવીસ કલાક કામ કરી શકતા હોય, તો બંધ પડેલા સિગ્નલોને રિપેર કરવામાં કયો મોટો અવરોધ નડી રહ્યો છે? શહેરીજનોની માંગ છે કે માત્ર દંડ વસૂલવાને બદલે તંત્ર ટ્રાફિકના કાયમી અને સુચારૂ સંચાલન માટે બંધ સિગ્નલો તાત્કાલિક શરૂ કરે. તેમજ મહાનગર પાલિકા દ્વારા બંધ પડેલા કોમર્શિયલ કૉમ્પ્લેક્સ ના પાર્કિંગ તાત્કાલિક ખુલ્લા કરાવવા જરૂરી છે.
કલ્પેશ રાવલ
પત્રકાર, સંપાદક


टिप्पणियाँ
एक टिप्पणी भेजें